સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા ભારતમાં પ્રથમ વખત રાજકોટમાં એસ.એફ.એસ. એજ્યુકેશન એક્સપો 2025નું આયોજન રેસકોર્ષ મેદાન ખાતે કરવામાં આવ્યું છે જે આગામી તા. 1થી 5 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે, જેમાં 300 થી વધારે સ્ટોલ, 800થી વધારે શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે એક ઉત્કૃષ્ટ સામાજિક સંદેશનો પ્રચાર અને પ્રસાર થનાર છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં ચિંતા, ભય, એકલતા, ચીડિયાપણું જેવી અનેક પ્રકારની માનસિક સમસ્યા જોવા મળે છે અને તેના કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મઘાતી પગલું પણ ભરી લેતા હોય છે. શિક્ષણ જગતના આ મહાકુંભના માધ્યમથી તેમનમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને આત્મબળ પુરુ પાડવાના ઉદ્દેશ્યથી ’યુ આર નોટ અલોન’ એટલે કે આપ એકલા નથી, સમગ્ર શિક્ષણ જગત, વાલીગણ, શિક્ષકો, શાળા સંચાલકો, મિત્રો અને સમાજ તમારી સાથે છે આ સંદેશો ફેલાવવામાં આવશે.