રાજકોટ સહિત દેશભરમાં રવિવારે હોળી અને બાદમાં સોમવારે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં ઠેર-ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. જો કે આજે ચોથા દિવસે પણ શહેરના પંચનાથ પ્લોટ, સિંધી કોલોની સહિતના સ્થળોએ હોળીના ચોથા દિવસે પણ રાખનાં ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા છે. તબક્કાવાર એક પછી એક વિસ્તારમાં સફાઈ ચાલી રહી હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં હોલીકાદહન કરાયું હતું. તેવા સ્થળોની રાખનો નિકાલ હજુ પણ ઘણા સ્થળેથી કરાયો નહિ હોવાથી આસપાસના વિસ્તારમાં પ્રદુષણના પ્રશ્નો ઉભા થયા છે. આ કામગીરી બાંધકામ વિભાગને સોંપાયેલી છે અને આ વિભાગના વાહનો દ્વારા રાખ ઉઠાવી તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. જોકે હાલ શહેરના અનેક સ્થળોએથી રાખનો નિકાલ કરાયો નથી. જેને કારણે વાહન ચાલકોને અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાની-મોટી સોસાયટી-મહોલ્લા નહિ પણ પંચનાથ જેવા ધમધમતા વિસ્તારમાં પણ ચાર દિવસ થવા છતા રાખનો નિકાલ થયો નથી. જેના કારણે આસપાસની દુકાનોમાં પણ રાખ ઊડતી રહે છે. આ ઉપરાંત સિંધી કોલોની, ગાયકવાડી જેવા અનેક વિસ્તારમાં હોળી પ્રજ્વલીત થઈ હતી, તે સ્થળની સફાઈ થઈ નથી. જેને લઈ રાખના ઢગલા યથાવત પડ્યા છે.