શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતા ટૂ વ્હિલર, કારના કાચ તોડી ચોરી કરતા ગઠિયા સક્રિય થયા હોય તેમ ધોળા દિવસે એચ.જે. દોશી હોસ્પિટલ નજીક પાર્ક કરેલા સ્કૂટરની ડેકી તોડી હોટેલ સંચાલકના રૂ.3 લાખની રોકડની ચોરી થયાની જાણ કરતાં માલવિયાનગર પોલીસે તપાસ કરતાં હેલ્મેટ પહેરેલા બે શખ્સ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઇ ગયા હોય પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા મથામણ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા અને કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે નકલંક હોટેલ ચલાવતા મુન્નાભાઇ સવાભાઇ શિરોડિયા તેના સગાની ખબર કાઢવા માટે તેના સ્કૂટરમાં રૂ.3 લાખ રાખીને એચ.જે. દોશી હોસ્પિટલે ગયા હતા અને સ્કૂટર પાર્ક કરી અંદર ગયા હતા. બાદમાં બહાર આવતા તેના સ્કૂટરની ડેકી તૂટેલી હોય અને ડેકીમાં રાખેલા રૂ.3 લાખ ગાયબ હોય તેને જાણ કરતાં માલવિયાનગર પાેલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં મુન્નાભાઇએ પેમેન્ટ કરવાનું હોય તેના સ્કૂટરમાં પૈસા રાખ્યા હતા. બાદમાં સગાની ખબર કાઢવા જતા આ બનાવ બન્યાનું બહાર અાવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા સીસીટીવીમાં બે ગઠિયાઓ હેલ્મેટ પહેરી ડેકી તોડી રૂપિયાની ચોરી કરી ટૂ વ્હિલરમાં નાસી જતા હોવાનું બહાર આવતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી લેવાકાર્યવાહી કરી છે.