રાજકોટની હોટલમાં ધમધમતા દેહવ્યાપાર કારોબારનો એ-ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરની “હોટેલ ફેરી પેલેસ” ઉપર દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કરણસિંહજી રોડ પર આવેલ “હોટેલ ફેરી પેલેસ”માં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તા.13/09/2025 ના રોજ રાત્રે 9 વાગ્યે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન હોટેલ સંચાલક પ્રવિણભાઈ પ્રભુભાઈ ટાંક અને દલાલ આકાશ મોકાલને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 3,400 અને મોબાઈલ ફોન સહિત રૂ. 5,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ આરોપીઓ હોટેલમાં ગ્રાહકોને બોલાવીને દલાલી કરીને દેહવ્યાપારનો ધંધો ચલાવતા હતા. પોલીસે જણાવ્યું કે, દલાલ પ્રત્યેક ગ્રાહક પાસેથી રૂ. 800 વસૂલતો હતો. અને તેમાંથી રૂ. 300 દલાલ પોતે રાખતો હતો. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવમા રાજકોટ શહેરમાં રહેતી એક સગીરા પર ગાંધીગ્રામમાં રહેતા શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી નિખીલ રસિકલાલ રાવલ, જે ગાંધીગ્રામ રાજકોટનો રહેવાસી છે, તેણે ઇન્સ્ટાગ્રામ મારફત સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં અનેકવાર શારીરિક શોષણ કર્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ સગીરાને 13-03-2023થી 09-08-2024 સુધી ધાક-ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ જ્યારે તેની સાથે સંબંધ રાખવા ઇનકાર કર્યો, ત્યારે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી પોકસો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.