શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતા લુખ્ખાઓ બેકાબૂ બન્યા છે. બે દિવસ પહેલાં જ અવધ રોડ પર યુગલને આંતરી પોલીસની ઓળખ આપી યુવકને મારકૂટ કરી લૂંટ, ખંડણી, અપહરણ અને છેડતીના ગંભીર ગુનામાં પોલીસે કુખ્યાત ચાર શખ્સને પકડી લઇ આકરી પૂછતાછ કરી હતી. જે બનાવ બાદ થોડા દિવસો પહેલાં બસ સ્ટેશન પાસેની હોટેલમાં ધસી જઇ ક્રાઇમ બ્રાંચના પોલીસ હોવાના નામે યુગલ પાસેથી 31 હજારની રોકડની લૂંટ ચલાવવાના બનાવમાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પોપટપરાના શખ્સને એસટી બસ સ્ટેશન પાસેથી ઝડપી લઇ તેની ધરપકડ કરી તેને વધુ કેટલાક લોકોને અટકાવી પોલીસના નામે તોડ કર્યા છે? સહિતની પૂછતાછ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો અને મૂળ બંગાળનો મુરારીમોહન શત્રુઘ્ન બાદ (ઉ.44) તેની પ્રેમિકા સાથે એસટી બસ સ્ટેન્ડ પાસે મૂન હોટેલમાં હતો ત્યારે અજાણ્યો શખ્સ તેની પાસે આવી તે ક્રાઇમ બ્રાંચના પોલીસમેન હોવાની ઓળખ આપી તમે અહીં શું કામ આવ્યા છો કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી 12 હજારની રોકડની લૂંટ ચલાવી હતી અને તેની પાસેના એટીએમ લઇને તેમાંથી વધુ રૂ.19 હજાર ઉપાડી લઇને કુલ રૂ.31 હજારની લૂંટ ચલાવી નાસી ગયાનું જણાવ્યું હતું.