ચોમાસાની શરૂઆતમાં જ હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખૂલી છે. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે, નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ પણ થયું નથી.
પાણી ભરાવાથી કેનોપી તૂટી પડીઃ એરપોર્ટ ડિરેક્ટર
રાજકોટ હીરાસર એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાએ ટેલિફોનિક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ.
રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટાં બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અસહ્ય બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા ગઈ છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જ્યારે ભારે પવન ફૂંકાતા રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી અને પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી જવા પામી છે.