હીટવેવના કારણે રાજકોટ જિલ્લાના તમામ 14 જનસેવા કેન્દ્રોના દૈનિક સમયમા ફેરફાર કરવામા આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા પ્રમાણે, રાજકોટ પૂર્વ, પશ્ચીમ, દક્ષિણ અને ગ્રામ્ય ઉપરાંત લોધિકા, કોટડા સાંગાણી, જસદણ, વિંછીયા, પડધરી, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ એમ 14 ATVT સેન્ટર એટ્લે કે જનસેવા કેન્દ્રો પરનો દૈનિક સમય સવારે 9થી 1 અને સાંજે 4થી 6.10 વાગ્યાનો કરવામાં આવ્યો છે. એટલે કે, બપોરે 1થી 4 દરમિયાન ભારે તડકો પડતો હોવાથી કચેરી બંધ રહેશે, જેથી લોકોને કચેરીના કર્મચારીઓને પણ રાહત થશે.
શહેરની આરોગ્યની સુખાકારી માટે સદા તત્પર રહેતા મહાનગર પાલિકાનાં સફાઇ કામદારો વર્તમાન સમયમાં ગરમીના પ્રકોપ 45 ડિગ્રીમાં કામ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયા દ્વારા સફાઇ કામદારોનું સ્વાસ્થ્ય ન બગડે તેને ધ્યાનમાં રાખી મહાનગર પાલિકાનાં સેનીટેશન ચેરમેન નીલેશભાઇ જલુને બપોરની હાજરીનો સમય 4થી 7 કરવાની રજૂઆત કરી હતી. સેનિટેશન ચેરમેનને આ રજૂઆત યોગ્ય લાગતા તત્કાલ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર સાથે ચર્ચા કરી અને બપોરનો હાજરીનો સમય 4થી 7નો કરાવી આપ્યો છે. આ નિર્ણયથી ગરમીનાં પ્રકોપ વચ્ચે સફાઇ કામદારો દ્વારા રાહતનો શ્વાસ લીધો છે.