હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે. આવનારા દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. આ સાથે જ જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં તાપમાનમાં ફરી બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાનમાં વધારાની સાથે-સાથે ગરમીમાં પણ વધારો નોંધાશે. છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના શહેરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સાત દિવસ બાદ ફરી વાતાવરણ પલટી શકે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. છેલ્લા 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો વધારો નોંધાશે નહીં. ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયકોલિક સર્ક્યુલેશન હતું તે હવે પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેની ગુજરાત પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે. ઉત્તર પશ્ચિમથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે.