હાર્ટએટેકથી ડોક્ટર, મહિલા રેલવે કર્મચારી સહિત 3નાં મોત

તાવમાં સપડાયા બાદ સારવાર વખતે હૃદય બંધ પડી જતાં મહિલા તબીબનું મૃત્યુ થયું છે. તેમજ અન્ય બે બનાવમાં હૃદય બંધ પડી જવાને કારણે મહિલા રેલવે કર્મચારી અને પ્રૌઢનું મૃત્યુ થયું હતું.

150 રિંગ રોડ વાવડી મટુકી રેસ્ટોરન્ટ સામે સત્ય હિલ્સ ખાતે રહેતા ટ્વિંકલબેન ગોબરભાઈ કોરાટ(ઉ.વ.33) નામના મહિલા ઘરે હતાં ત્યારે તબિયત લથડતાં જાતે જ ટૂવ્હિલર હંકારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં, ટ્વિંકલબેન પોતે જ બેકબોન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. ટ્વિંકલબેન તેના માતા-પિતા સાથે જૂનાગઢ રહેતા હતા. તેઓને અહીં ભાઇ સાથે કામથી આવવા જવાનું રહેતું હતું. એકાદ બે દિવસથી તેમને તાવ આવતો હોય અચાનક તબિયત બગડતાં સારવાર માટે પહોંચ્યા હતાં, પરંતુ ત્યારે હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયાનું તારણ નીકળ્યું હતું.

હાર્ટએટેકના બીજા બનાવમાં નાનામવા રોડ રાજનગર ચોક પાસે જયશક્તિ સોસાયટીમાં રહેતાં રંજનબેન મનસુખભાઈ સારેસા(ઉં.વ.55) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. રંજનબેન રેલવેમાં આરએસી વિભાગમાં નોકરી કરતાં હતાં.

ત્રીજા બનાવમાં ગોડલ રોડ પુનિતનગર-5માં રહેતાં રસિકભાઇ નરસીભાઈ ભીમાણી(ઉ.વ.50) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *