અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડાબા હાથ પર વાદળી નિશાન જોવા મળ્યાં છે. જ્યારે આ નિશાનની તસવીરો સામે આવી ત્યારે અમેરિકાથી લઈને દુનિયાભરના મીડિયામાં ખળભળાટ મચી ગયો. તેમની ઉંમરને લઈને સૌથી વધુ ચર્ચા થવા લાગી. વ્હાઇટ હાઉસે આ મામલે પહેલા જ સ્પષ્ટતા કરી હતી. બાદમાં દાવોસથી પરત ફરતી વખતે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે પોતે એનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું હતું કે તેઓ દરરોજ વધુ માત્રામાં એસ્પિરિન લે છે, તેથી જો તેમને થોડી પણ ઈજા થાય તો તરત જ વાદળી નિશાન પડી જાય છે.
ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન શું છે?
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ નિશાન દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ત્યારે પડ્યું, જ્યારે તેમનો હાથ એક ટેબલ સાથે અથડાયો. તેમણે હસતાં- હસતાં કહ્યું, લોકો કહે છે કે હૃદય માટે એસ્પિરિન લો, પરંતુ જો શરીર પર વાદળી નિશાન નથી જોઈતા તો ન લો. હું તો મોટા ભાગે એસ્પિરિન લઉં છું. તેમણે આગળ કહ્યું હતું કે ડોકટરો તેમને આવું ન કરવાની સલાહ આપે છે. ટ્રમ્પના શબ્દોમાં, ડોકટરો કહે છે કે તમે ખૂબ સ્વસ્થ છો, તમને એની જરૂર નથી, પરંતુ હું કોઈ જોખમ લેવા માગતો નથી. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ નિવેદન જારી કરીને કહ્યું કે બોર્ડ ઓફ પીસની ઘોષણા દરમિયાન ટ્રમ્પનો હાથ સાઇનિંગ ટેબલના ખૂણા સાથે અથડાયો હતો. એે જ કારણે આ નિશાન પડ્યું.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ મુજબ ચાર ડોકટરોએ વાતચીતમાં કહ્યું હતું કે એ શક્ય છે કે એસ્પિરિનના વધુ ડોઝથી આવાં વાદળી નિશાન પડી ગયાં હોય. એસ્પિરિન લોહીને પાતળું કરે છે, જેનાથી હળવી ઈજા પણ સ્પષ્ટ દેખાવા લાગે છે અને મોડેથી રુઝાય છે. આ મહિનાની શરૂઆતમાં વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ડોકટરોની સલાહથી વધુ માત્રામાં એસ્પિરિન લે છે. તેમનું કહેવું હતું કે તેઓ ઇચ્છે છે કે હૃદયમાં લોહી સરળતાથી વહેતું રહે. તેમણે તેને ‘સારું પાતળું લોહી’ કહ્યું હતું.