શરીરમાં હાડકાં મજબૂત હોવાં જરૂરી છે. પહેલાં તો વધતી ઉંમરની સાથે હાડકાં નબળાં પડતાં હતાં, પરંતુ હવે નાની ઉંમરમાં લોકો નબળાં હાડકાંથી પરેશાન થવા લાગ્યા છે. આવું કેટલીક ભૂલોના લીધે થાય છે. બોન હેલ્થનો ખ્યાલ રાખવા માટે કેલ્શિયમની સાથે-સાથે વિટામિન-ડીની પણ જરૂર પડે છે. હાડકાંમાં થતા દુખાવાથી બચવા અને હાડકાં તૂટવાથી બચાવવા તેમજ ઓસ્ટિયોપોરોસિસ જેવી ખતરનાક બીમારીના ખતરાને દૂર કરવા માટે તમારાં હાડકાંનો ખ્યાલ રાખવો જરૂરી છે. જે ભૂલોથી હાડકાં નબળાં પડી રહ્યાં છે તે આદતોમાં આજે જ પરિવર્તન લાવો.
તડકામાં ન બેસવું
મજબૂત હાડકાં માટે શરીરને તડકો મળવો ખૂબ જરૂરી છે. બિઝી શેડ્યૂલના લીધે કેટલાક લોકો તડકામાં સમય વીતાવતા નથી, જેના લીધે તેમને પર્યાપ્ત વિટામિન-ડી મળતું નથી. આ સાથે ડાયટમાં પણ વિટામિનવાળી વસ્તુઓ સામેલ કરો.
એક જ જગ્યાએ કલાકો સુધી બેસવું
કોવિડ બાદ ઘણા લોકોને વર્ક ફ્રોમ હોમ પસંદ પડી ગયું. આ કારણે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે, જે નબળાં હાડકાંનું કારણ બની શકે છે. હેલ્ધી હાડકાં માટે ચાલવું-ફરવું અને એક્સર્સાઇઝ કરવી જરૂરી છે.
વધુ મીઠું ખાવું
જેટલું વધારે મીઠું તમે ખાતાં હો તેટલું કેલ્શિયમ તમારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનો અર્થ છે કે તમારાં હાડકાં માટે તે સારું નથી. બ્રેડ, ચિપ્સ, ચીઝ, કોલ્ડ કટ્સ જેવી વસ્તુઓથી દૂર રહો. એ વાતનું ધ્યાન રાખો કે એક દિવસમાં ર૩૦૦ મિલિગ્રામથી ઓછું મીઠું ખાવાનો ગોલ રાખો.
સ્મોકિંગ કરવું
જ્યારે તમે રોજ સિગારેટ કે ધુમાડો શ્વાસમાં લો છો ત્યારે તમારું શરીર નવાં હેલ્ધી હાડકાંના ઉત્તકોને સરળતાથી બનાવી શકતું નથી. જેટલો વધુ સમય તમે ધૂમ્રપાન કરો છો, તે એટલું જ ખરાબ થતું જાય છે. જો તમે સ્મોકિંગ છોડી દેશો તો આ જોખમોને ઘટાડી શકશો.