ગોંડલ નજીક રાત્રીના સમયે હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ગોંડલની બેલડીને પોલીસે ઝડપી લીધી હતી. આ બેલડી પાસેથી ચાર ચોરાઉ બેટરી કબજે કરવામાં આવી હતી. પોલીસની પુછતાછમાં આ બેલડીએ પખવાડીયા દરમિયાન બે સ્થળે આ પ્રકારે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં તાત્કાલીક ગુના નોંધી આરોપીને શોધી કાઢી મુદામાલ રિકવર કરવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.આર.ગોહિલ તથા તેમની ટીમ ગઈ તા.૦૯ ના મોડી રાત્રીના ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના ખટારા સ્ટેન્ડ પાસે પાર્કે કરેલા ટ્રકમાંથી બે બેટરીઓ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયા હોય જે અંગેની ફરિયાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
આ બનાવને લઇ સઘન તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ભાવેશ સાસીયા તથા ક્રિપાલસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરી થયેલ બેટરીઓ તથા અન્ય બે બેટરીઓ સાથે રમઝાન ઉર્ફે મૌસીન હુશેન બ્લોચ (રહે.ગોંડલ આવાસ યોજના ક્વાટર નં.ઇ.૫) અને વિજય સંદીપ મેણીયા (રહે.હાલ ગોંડલ વોરાકોટડા રોડ) ને પકડી પાડી આરોપી પાસેથી અલગ અલગ કંપનીની બેટરીઓ નંગ-૪ રૂ.૨૦ હજાર અને એક ઓટો રીક્ષા મળી કુલ રૂ.૬૦ હજારનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.