ભારતીય રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અવનવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જ દિશામાં, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને અત્યંત સરળ અને સુગમ બનાવી દીધી છે.
હવે રેલવે યાત્રીઓએ જનરલ ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. આ નવી પહેલ હેઠળ, યાત્રીઓને બે મુખ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે જેમાંથી એક છે UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) મોબાઈલ એપ અને બીજી સુવિધા છે ATVM (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન). રેલવે સ્ટેશનો પર ઑટોમેટિક ટિકિટના મશીનો પણ લગાવવામાં આવ્યા છે.
મુસાફરો સ્માર્ટકાર્ડ અથવા રોકડથી સરળતાથી ટિકિટ મેળવી શકે છે. આથી ટિકિટ કાઉન્ટર પરની ભીડમાં ઘટાડો થશે. યુટીએસ (UTS) મોબાઈલ એપની મદદથી મુસાફરો પોતાના મોબાઈલ ફોન પરથી જ ટિકિટ બુક કરી શકે છે. આ સુવિધા દ્વારા મુસાફરોને ક્યાંય પણ અને ક્યારે પણ ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળી રહે છે.
યુટીએસ એપ્લિકેશન દ્વારા યાત્રીઓ પોતાના સ્માર્ટફોન પરથી જ ગમે ત્યાં અને ગમે ત્યારે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરી શકે છે. આ એપથી ટિકિટ લેવાથી સ્ટેશન પર પહોંચીને લાઈનમાં ઊભા રહેવાનો સમય બચી જાય છે, અને મુસાફરી વધુ આરામદાયક બને છે. જયારે ATVM મશીનો રેલવે સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં યાત્રીઓ જાતે જ સરળતાથી ટિકિટ ખરીદી શકે છે.