હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો સહિતની ટોળકી રૂ. 64.80 કરોડ ઓળવી ગયાની અને એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ જેના આધારે ક્રાઈમ બ્રાંચે મુખ્યત્ત્વે મહારાષ્ટ્રમાં રહેતા 19 આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રથી 10 આરોપીને ઝડપી પાડ્યા બાદ કેસના અન્ય 2 આરોપીઓની પણ મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને આરોપીઓ એન્જીનીયર હોવાનું સામે આવ્યું છે અને બન્ને આરોપીઓ કંપનીમાં 2.5%ના ભાગીદાર હતા.
રાજકોટના વેપારી સાથે થયેલી છેતરપિંડી અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી, જેના આધારે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર મોકલી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં સ્થળોથી વધુ બે આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં કમલેશ મહાદેવરાવ ઓઝે અને અવિનાશ બબન સાંગલેનો સમાવેશ થાય છે. આ બન્ને આરોપીઓને ક્રાઈમ બ્રાંચના તપાસનીશ પીઆઈ મનોજ ડામોરે કોર્ટમાં રજૂ કરી તા.30 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જેના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવશે.