શહેરના છેવાડે આવેલા હલેન્ડા ગામે ખેડૂત પરિવારના ઘરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. દંપતી વાડીએ મજૂરી કામ કરી રહ્યું હોય ત્યારે પાછળથી ધોળા દિવસે ત્રાટકેલા તસ્કરો રોકડ અને દાગીના સહિત રૂ.1.67 લાખની મતા ઉસેડી જતાં પોલીસમાં નોંધ થઈ છે.
હલેન્ડા હિરણપરા પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ વાસાણીએ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રવિવારે સવારના સાતેક વાગ્યાની આસપાસ તે અને તેમના પત્ની વિજયાબેન તાળું મારીને દડવા ગામના રસ્તે આવેલી વાડીએ કામે ગયા હતા. બપોરના 2.30 વાગ્યે કૌટુંબિક ભાઈના દીકરા જીજ્ઞેશભાઈનો ફોન આવ્યો હતો કે, તમારી ઘરે ચોરી થઈ છે તેથી દંપતી તુરંત જ ઘરે પહોંચતા દરવાજાનો નકૂચો તૂટેલો હતો. રૂમમાં જોતા જ કબાટની આજુબાજુમાં પડેલો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં સોનાના મોતીની માળા કિ.90 હજાર, એક સોનાનો ચેન કિ.55 હજાર તેમજ રોકડ 22 હજાર ગાયબ જોવા મળી હતી. આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.