રાજકોટ શહેરના વોર્ડ નંબર-2 માં આવેલા હરિહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને રિટેઇનિંગ વોલ બનાવવાનું કામ શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે લગભગ 12 મહિના માટે કાશી વિશ્વનાથ મેઈન રોડ પરનો હરિહર ચોક તરફ જતો રસ્તો અને હરિહર ચોકથી ચૌધરી હાઈસ્કૂલ જતો રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જોકે, પોલીસ કમિશનર દ્વારા આ માટેના વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
આગામી 12 માસ માટે વાહનવ્યવહાર માટે બંધ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હરિહર ચોક પાસે (વોર્ડ નંબર 2 અને 7ની બાઉન્ડ્રી પર) બોક્સ કલ્વર્ટ વોકળો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે હરિયર ચોકથી ચૌધરી હાઈસ્કૂલ સુધીનો માર્ગ આગામી 12 માસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ વોકળો આઝાદીના સમયથી બનેલો છે અને તેના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં તે નબળો જાહેર થયો છે. કોઈપણ પ્રકારની જાનહાનિ કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે આ નવો બોક્સ કલ્વર્ટ વોકળો (નાનો બ્રિજ) બનાવવામાં આવી રહ્યો છે.
RMC દ્વારા જાહેરનામું બહાર પાડીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો વધુમાં તેમણે જણાવ્યું કે, કામગીરી માટે આ વિભાગનો રોડ કુલ 12 મહિના સુધી બંધ રહેવાનો છે. આ કામ અગાઉ મંજૂર થયું હતું, પરંતુ સર્વેશ્વર ચોકનું કામ ચાલુ હોવાથી અને તે રોડ બંધ હોવાથી ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે આ કામ શરૂ કરી શકાયું નહોતું. હાલમાં સર્વેશ્વર ચોક અને યાજ્ઞિક રોડ ખુલ્લા થઈ ગયા હોવાથી કામ શરૂ કરવામાં આવ્યું છે. લોકોની જાનમાલની સલામતીને ધ્યાનમાં રાખીને આ રોડ બંધ કરાયો છે. ટ્રાફિક પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ચેરમેને શહેરના નાગરિકોને 12 મહિના સુધી ડાયવર્ટ કરાયેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં 30-35 વર્ષ સુધી ચાલે તેવો નવો બ્રિજ બનાવી શકાય.