હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં, તેમની પત્ની અને રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી, અમાનિત પી. કુમારે હરિયાણાના DGP અને રોહતક SP વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ચંદીગઢ પોલીસના સેક્ટર-11 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચાર પાનાની ફરિયાદમાં, અમાનિત પી. કુમારે DGP શત્રુઘ્ન કપૂર અને રોહતકના SP નરેન્દ્ર બિજરનિયા પર તેમના પતિને હેરાન કરવાનો, જાતિગત ભેદભાવ કરવાનો અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી, IG વાય પૂરણ કુમારે પોતે ગોળી મારી આત્મહત્યા કરતા પહેલા અંગ્રેજીમાં આઠ પાનાની સુસાઈડ નોટ લખી હતી. નોટમાં, પૂરણ કુમારે 30 થી 35 IPS અધિકારીઓ અને કેટલાક IAS અધિકારીઓના નામ લખ્યા છે.
તેમણે જાતિવાદ, પોસ્ટિંગમાં ભેદભાવ, ACRમાં ગોટાળાઓ, સરકારી આવાસનો અભાવ અને વહીવટી ફરિયાદોને કારણે આ અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિ વિશે લખ્યું છે. તેમણે DGP-રેન્કના અધિકારી પર બિનજરૂરી નોટિસ મોકલીને તેમને પરેશાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
તેઓ એક વસિયતનામા પણ લખીને છોડી ગયા હતા, જેમાં તેમણે પોતાની બધી મિલકત તેમની પત્નીને આપી હતી. વસિયતનામા પર 6 ઓક્ટોબરની તારીખ છે અને સુસાઈડ નોટ પર 7 ઓક્ટોબરની તારીખ છે.
ચંદીગઢમાં સેક્ટર 16 ખાતેના પોતાના ઘરના સાઉન્ડપ્રૂફ બેઝમેન્ટમાં પોતાને ગોળી મારતા પહેલા, તેમણે તેમની પત્ની અને બે IPS અધિકારીઓને એક પત્ર મોકલ્યો. તેમની IAS પત્ની, અમનીત પી. કુમારે ત્યારબાદ લગભગ 15ફોન કર્યા, પરંતુ પૂરણે કોઈ જવાબ આપ્યો નહીં. ચંદીગઢ પોલીસે સુસાઇડ નોટમાં અધિકારીઓના નામ જાહેર કર્યા નથી.