લોધિકા તાલુકાના હરીપર પાળ ગામે ધોકા વડે સામસામે મારામારીના બનાવમાં બે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અગાઉ ગરબીના આયોજન બાબતે મનદુઃખ થયું હોઇ તેનો ખાર રાખી માથાકૂટ થઈ હતી.
હરિપર પાળમાં રહેતા અને ખાનગી સ્કૂલની બસમાં ડ્રાઇવિંગ કરતા ભાવેશભાઈ ગોવિંદભાઈ વાળા(ઉં.વ.24) પર સાંજે ગામના જ નાજા ખીમજીભાઇ રાતડિયાએ ધોકા વડે હુમલો કરી માર મારતાં નાક પર કડું વાગી જતા નાકે શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યારે સામા પક્ષે હરિપર પાળના નાજા ખીમજીભાઇ રાતડિયા(ઉં.વ.25) ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેણે પોતાના પર ભાવેશ વાળા અને દિનેશ સહિતનાઓએ હુમલો કરી માર માર્યાનું રટણ કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.
ભાવેશે જણાવ્યું હતું કે, મારો પિતરાઈ સતિષ દિનેશભાઈ વાળા વર્ષોથી ગરબીનું આયોજન કરે છે. આ વાત નાજાભાઇને ખટકતી હોઈ જે તે વખતે બોલાચાલી થઈ હતી અને મનદુઃખ થયું હતું. તે વાતનો ખાસ રાખી બે દિવસ પહેલાં યુવકનો ભાઈ સતિષ અવધ ખાતે સિક્યુરિટીની નોકરી ઉપર હતો ત્યાં જઈને નાજા સહિતના ઝઘડો કરી આવ્યા હતા. ગત સાંજે ફરીથી સતિષ સાથે આ લોકોએ બોલાચાલી કરતા ઝઘડામાં પોતે વચ્ચે પડતા ધોકાથી હુમલો કર્યો હતો. પોલીસને બંને પક્ષોની વાતો ગળે ન ઉતરતા ખરેખર ક્યા કારણે માથાકૂટ થઈ હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.