વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોનાં મોત થયાં હતાં. એ સંદર્ભે વડોદરાના હરણી પોલીસ મથકે કુલ 18 આરોપી સામે IPCની કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. એ પૈકી ચાર મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરાની કોર્ટે ફગાવી દેતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે આજે મંજૂરી આપી છે. ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપી વડોદરાના રહેવાસી છે.
PPP ધોરણે કોટિયા પ્રોજેક્ટને જવાબદારી સોંપાઈ
2017માં કોટિયા પ્રોજેક્ટને હરણી તળાવના મેઇન્ટેનન્સ, બેંકવેટ હોલ, બોટિંગ વગેરેની જવાબદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર આપવામાં આવી હતી. ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતાં બોટ પલટી ખાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ન્યૂ સનરાઈઝ શાળાનાં 25 બાળક અને 4 શિક્ષક બોટ ઉપર સવાર હતાં. તેમાંના ઘણા લોકો પાસે લાઇફ સેવિંગ જેકેટ નહોતાં. બોટ હાલકડોલક થઈને એમાં પાણી ભરાવા લાગતાં ડૂબી ગઈ હતી. 12 જેટલાં બાળકોનો બચાવ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદારો વગેરેનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે કોઈ ભયસૂચક સૂચના કે સેફ્ટીની તકેદારી રાખવામાં આવી નહોતી.