ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ રહી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કર્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?
આ અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું, સુઓમોટો PILની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાથી હાઇકોર્ટ નાખુશ છે. કોર્ટે એવી ટકોર કરી છે કે આ સોગંદનામું ગેરમાર્ગે દોરે છે. એની અંદરની હકીકત દર્શાવવામાં આવી નથી તેમજ કોર્ટે જે કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રેક્ટ એકવાર રિજેક્ટ થયો હતો અને બે મહિના પછી ફરી તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
વકીલ ઉત્કર્ષ દવેએ આગળ કહ્યું કે, કોર્ટે એ વસ્તુ ઓર્ડરમાં નોંધી છે કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.