રાજકોટના યજમાનપદે સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય કક્ષાની શાળાકિય તરણ સ્પર્ધાનાં ચોથા દિવસે અન્ડર-14, 17 અને 19 બોયઝ અને ગર્લ્સની 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક, 200 મીટર ફ્રી સ્ટાઇલ, 400 મીટર મીડ લે, ભાઈઓની 4 બાય 100 મીટર મીડ લે સહિતની ઇવેન્ટ યોજાઈ હતી. સ્વિમિંગ અને ડાઈવિંગની વિવિધ ઈવેન્ટમાં અંડર 14, 17 અને 19 કેટેગરીના ભાઈ-બહેન સ્પર્ધકો કૌશલ્ય દાખવી રહ્યા છે. આ ચેમ્પિયનશીપમાં 103 ઈવેન્ટમાંથી ગઈકાલ સુધીમાં 45 ઈવેન્ટ પૂર્ણ થઈ છે. ચેમ્પિયનશીપના ચોથા દિવસે પણ મહારાષ્ટ્ર 32 મેડલ સાથે ક્રમમાં પ્રથમ હરોળમાં છે. જેમાં ગુજરાત 10મા ક્રમે પાછળ ધકેલાયું છે.
મહારાષ્ટ્રની ટીમે 15 ગોલ્ડ, 11 સીલ્વર, 6 બ્રોન્ઝ મેડલ સહિત સૌથી વધુ 32 મેડલ હાંસલ કર્યા છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાત સહિત વિવિધ રાજયોમાંથી 2000 થી વધુ સ્પર્ધક ભાઈ-બહેનનો કોચ સાથે ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 103 ઈવેન્ટમાંથી 45 ઈવેન્ટ પુર્ણ થઈ છે. દરેક ઈવેન્ટ બાદ વિવિધ કેટેગરીનાં વિજેતા સ્પર્ધકોને તુરત જ ઉપસ્થિત અધિકારી, મહાનુભાવો, ઓફિસર અને એસોસિએશનના હોદેદારોના હસ્તે મેડલ એનાયત થઈ રહ્યા છે. આ ચેમ્પિયનશીપનું તા. 30મીએ સમાપન થશે.