રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ(રૂડા)ની 174મી બોર્ડ બેઠક મળી હતી જેમાં એકસાથે 3 નવી ટી.પી. સ્કીમનો ઈરાદો જાહેર કરવા નિર્ણય લેવાયો છે. આ ત્રણેય ટી.પી. સ્કીમ વાજડીગઢમાં આવેલી છે કે જે રૈયા સ્માર્ટ સિટીની સામેનો જ વિસ્તાર છે તેથી શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં સ્માર્ટ સિટીને ધ્યાને લઈને ઝડપથી ટી.પી. સ્કીમ પર નિર્ણય લેવાઈ રહ્યો છે.
બોર્ડ બેઠકમાં વેજાગામ-વાજડીગઢ ટી.પી. સ્કીમ 80, 81, 82નો ઈરાદો જાહેર કરવા નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં સરવે નંબરનો સમાવિષ્ટ, જમીન માલિકો સાથે બેઠક સહિતની વિગતો પણ જાહેર કરાશે. આ કારણે વેજાગામ વાજડીગઢમાં ચાલતા વર્તમાન પ્રોજેક્ટ તેમજ ભવિષ્યના પ્રોજેક્ટને વેગ મળશે અને તેની અસર સીધી જ બાંધકામ ઉદ્યોગ પર દેખાશે.
આ ઉપરાંત સોખડા, માલિયાસણ ટી.પી સ્કીમ 41 અને મનહરપુર-રોણકી 38/2ની ટી.પી.ઓ. દ્વારા કામ ચલાઉ પુનર્રચનાની દરખાસ્ત આવેલી છે જેમાં પરામર્શ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ત્રીજો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બનાવવા પણ મંજૂરી અપાઈ છે.