શહેરમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓની મંજૂરી વગર તેમની નકલી સહી કરીને સ્માર્ટ મીટર લગાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જોકે આ મામલે બે મહિના પહેલાં જ પોલીસને અરજી મળી ચૂકી હતી આમ છતાં એફઆઈઆર કરવાનું તો દૂર ગુનો બને છે કે નહિ તે પણ નક્કી કરી શકાયું નથી.
નકલી સહીથી સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે અરજદારે 6 જૂનના દિવસે પીજીવીસીએલને જાણ કરી હતી પણ ત્યાંથી ઉદ્ધતાઈ ભર્યો જવાબ મળ્યો હતો. જેને લઈને 14 જૂને અરજદારોએ શહેર પોલીસને ગુનો નોંધવા માટે અરજી કરી હતી. આ તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકને અપાઈ હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે નિવેદનો લીધા તેમજ પીજીવીસીએલના અધિકારીઓને પણ નોટિસ ફટકારીને બોલાવ્યા છે.
બે મહિના વિત્યા બાદ તેમજ આટલી તપાસ કર્યા બાદ હજુ સુધી એફઆઈઆર તો દૂર ગુનો બને છે કે નહિ તે નક્કી કરી શકાયું નથી. અરજદાર જ્યારે પોતે જ કહે છે કે તેમની નકલી સહી કરાઈ છે અને પુરાવા પણ અપાય છે. જો એક જ કેસ હોય તો પોલીસ શંકા કરે અને ઊલટ તપાસ પણ કરે જો કે અહીં તો 22 મીટરમાં એક જ બોલપેન અને એક જ સરખા અક્ષરે સહી કરાઈ છે. આવા કેસમાં સીધી ફરિયાદ થાય પણ ગાંધીગ્રામ પોલીસ હજુ સુધી ઘટના નક્કી કરી શકી નથી.