આગામી તા.26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં SIR મુજબ મતદાર યાદી કુલ 19,23,945 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 354 બેઠક માટે યોજાનાર ચૂંટણી પ્રક્રિયામાં કુલ 2286 મતદાન મથક પર મતદાન માટે 3951 સીયુ અને 5257 બીયુ ઉપયોગમાં લેવાશે તેમજ 19,130 કર્મચારીને ચૂંટણી ફરજ સોંપવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક, તાલુકા પંચાયતની 202 બેઠક, મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠક તેમજ ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાથી 32 ચૂંટણી અધિકારી અને 46 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તા.26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 1014 મતદાન મથક, જિલ્લા-તાલુકા પંચાયતના 1186 મતદાન મથક અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે 86 મતદાન મથક પર કુલ મળી 3951 કમ્પ્યૂટર યુનિટ અને 5271 બેલેટ યુનિટનો મતદાન પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે.