સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા જ AAPના 460 ઉમેદવાર જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી પંચ તરફથી ચૂંટણીઓની તારીખ જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા તેઓના મૂરતિયાઓની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયત માટે આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

બાપ-બેટાની રાજનીતિનો અંત: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે.

તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મને ખૂબ આનંદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *