સ્ટેમ્પ ડ્યૂટી ચોરીમાં જિ. પં.ના પૂર્વ પ્રમુખ સહિત 10 આસામીને 27.50 લાખનો દંડ

રાજકોટમાં સ્ટેમ્પ ડ્યૂટી ચોરીના પ્રકરણમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 10 આસામીને રૂ.27.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બિલ્ટઅપને બદલે કાર્પેટ એરિયા મુજબ દસ્તાવેજ નોંધણી કરી બાંધકામ ઓછું બતાવ્યું હતું અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરી હતી. સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી સાબિત થતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ટેમ્પ ડ્યૂટીના નાયબ કલેક્ટરના જણાવ્યાનુસાર માલવિયા ચોક, પ્રમુખસ્વામી આર્કેડ બિલ્ડિંગમાં સ્થિત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદર અને એડવોકેટના પુત્ર સૌમિલ પટેલની ઓફિસમાં બિલ્ટઅપને બદલે કાર્પેટ મુજબ દસ્તાવેજ નોંધણી કરીને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીની ભરપાઈ માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં આ પ્રકરણમાં રૂ.1,55,074 નો દંડ સહિત કુલ રૂ.1,99,300 નો દંડ ભરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વાવડીમાં આવેલી મિલકતમાં ત્રણ આસામીએ બાંધકામ ઓછું દર્શાવીને દસ્તાવેજોની નોંધણી કરાવી હતી. સ્થળ પર તપાસ કરતાં બાંધકામ વધુ મળી આવ્યું હતું. તેથી ત્રણેય આસામીને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી રૂ.1,53,140 અને તેટલી જ રકમનો દંડ રૂ.1,53,140 મળી કુલ રૂ.3,10,874 નો દંડ ફટકારવામાં આવ્યો છે.આ જ આસામીઓએ અન્ય એક પ્લોટમાં પણ સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરી હોવાનું માલૂમ પડતા રૂ.1,53,140 અને તેટલી જ રકમનો દંડ મળી કુલ રૂ.3,10,874 નો દંડ કરવામાં આવ્યો છે.જ્યારે રૈયા ટીપી-4 સરવે નંબર-318માં આવેલી વર્ધમાન એન્ટરપ્રાઈઝના ચાર ભાગીદારે પણ આવી જ રીતે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરી હોવાનું માલૂમ પડતા રૂ. સ્ટેમ્પ ડ્યૂટીની રૂ.7,12,094 અને રૂ.12,17,781નો દંડ મળી કુલ રૂ.19,29,875 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *