બેંગલુરુમાં એક કન્નડ ટીવી એક્ટ્રેસનો અજાણ્યા શખ્સોએ વોશરૂમમાં છૂપી રીતે વીડિયો બનાવી લીધો અને ઓનલાઇન વાઇરલ કરવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 7 ફેબ્રુઆરીના રોજ કોરમંગલા ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સેલિબ્રિટી વિમેન્સ ક્રિકેટ દરમિયાન વોશરૂમમાં એક્ટ્રેસનો ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો હોવા અંગે પોલીસે 13 ફેબ્રુઆરીના રોજ FIR નોંધી તપાસ હાથ ધરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ એક રિયાલિટી શોની સ્પર્ધક પણ રહી ચૂકી છે. ફરિયાદ મુજબ, તે ત્રણ દિવસ સુધી ચાલેલા સેલિબ્રિટી વિમેન્સ ક્રિકેટમાં સામેલ થઈ હતી. 7 ફેબ્રુઆરીના રોજ ઇવેન્ટના બીજા દિવસે, જ્યારે તે સ્ટેડિયમની અંદર બનેલા મહિલાઓના વોશરૂમમાં ગઈ, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેની જાણકારી વગર તેનો વાંધાજનક વીડિયો રેકોર્ડ કરી લીધો.
FIR અનુસાર, આ કથિત વીડિયો એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની મિત્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોકલવામાં આવ્યો છે. આરોપ છે કે, મોકલનારને લાગ્યું કે તે એકાઉન્ટ એક્ટ્રેસનું જ છે.