સ્ટેટસ મુદ્દે કાકાએ ગાળ દઇ ફડાકા મારતા પતાવી દીધાની સગીર આરોપીની કબૂલાત

શહેરની ભાગોળે ભાવનગર રોડ પરના વડાળીમાં યુવકને તેના જ કૌટુંબિક સગીરવયના ભત્રીજાએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, પોલીસે ગણતરીની કલાકોમાં સગીર આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરતાં તેણે સ્ટેટસ મુદે કાકાને પતાવી દીધાની કેફિયત આપી હતી. વડાળી ગામમાં રહેતા ભરતભાઇ નાગજીભાઇ મુછડિયા રવિવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે તેનો સગીરવયનો કૌટુંબિક ભત્રીજો ધસી આવ્યો હતો અને ભરતભાઇને પડખા અને વાંસાના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઇને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેનું મૃત્યુ થતાં મામલો હત્યામાં પલટાયો હતો. આજીડેમ પોલીસે મૃતકના કૌટુંબિક ભાઇ મયૂરભાઇ રાજાભાઇ મુછડિયાની ફરિયાદ પરથી સગીર સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

બીજીબાજુ ઘટના બાદ નાસી છુટેલા બાળઆરોપીને ઝડપી લેવા પોલીસની ટીમો દોડતી થઇ ગઇ હતી અને ક્રાઇમબ્રાંચની ટીમે રાજકોટમાં એસી ફૂટ રોડ આંબેડકરનગર પાસેથી બાળઆરોપીને ઝડપી લીધો હતો, મામલાની તપાસ ચલાવી રહેલી આજીડેમ પોલીસ સમક્ષ બાળઆરોપીએ કેફિયત આપી હતી કે, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સ્ટોરી અપલોડ કરી હતી અને તેનું સ્ટેટસ ‘આ ગયે હૈ મેદાનમે, અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી’ મુક્યું હતું, આવું સ્ટેટસ ન મુકાય તેમ કહી કૌટુંબિક કાકા ભરતભાઇએ ફડાકા મારી ગાળો દીધી હતી, અગાઉ પણ સ્ટેટસ મુકવા મુદ્દે કાકા ભરતભાઇ સાથે માથાકૂટ થઇ હતી, કાકાએ ગાળો દેતા રોષે ભરાઇ તેને છરીના ઘા ઝીંકી દીધા હતા, પોલીસે છરી કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *