સૌ. યુનિ.ના 13મા કાયમી રજિસ્ટ્રાર બન્યા ડો. અજયસિંહ જાડેજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મંગળવારે નવા કાયમી રજિસ્ટ્રાર મળી જશે અને તેમાં ડો. અજયસિંહ જાડેજા મોખરે હોવાનો અહેવાલ સૌપ્રથમ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો અને એ જ પ્રમાણે આજે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળેલી બેઠકમાં તેમનું જ નામ કાયમી કુલસચિવ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેઓ આંબેડકર યુનિવર્સિટીમાં કુલસચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચા મુજબ તેમને કુલપતિ ડો. ઉત્પલ જોશી સાથેની મિત્રતા ફળી છે.

બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 જાન્યુઆરીના કુલપતિની અધ્યક્ષતામાં નવા કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા બાદ કાયમી રજિસ્ટ્રાર અને દિવ્યાંગ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારનું નામ જાહેર કરવા માટે આજે તા. 6 જાન્યુઆરીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલસચિવ ડો. અજયસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

તેમની સાથે સ્પર્ધામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિવાદિત ડો. દશરથ જાદવ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ડો. મનીષ ધામેચા હતા, પરંતું તેમના નામનું સિલેક્શન થયું નથી. નોંધનીય છે કે, યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી કાયમી કુલસચિવની જગ્યા ખાલી રહી હતી. છેલ્લે વર્ષ 2023માં કાયમી રજિસ્ટ્રાર તરીકે ડો. હરીશ રૂપારેલીઆની નિમણૂક થઈ હતી, પરંતુ તેમણે માત્ર ચાર મહિનામાં રાજીનામું આપી દીધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *