સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી કાર્યકારી કુલપતિ ફરજ બજાવી રહ્યા હોવાથી વહીવટી સ્થિતિ ખૂબ જ ડામાડોળ જોવા મળી રહી હતી. જોકે, હવે રાજ્ય સરકારે આ યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ડૉ. ઉત્પલ જોશીની 5 વર્ષ માટે નિમણુક કરી છે, ત્યારે આજે માં સરસ્વતીને ફુલહાર કરી આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડની પ્રતિમાને વંદન કરી ચાર્જ સંભાળ્યો હતો. આ તકે તેમણે હોમ પીચ પર બેટિંગ કરવાની તક સ્વરૂપે કુલપતિ પદ મળ્યાનું જણાવ્યું હતું તો ખાનગી યુનિવર્સિટીઓના પડકારને ખૂબ જ મોટો ગણાવ્યો તો સ્ટાફની ઘટની સમસ્યા માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓમાં નહીં પરંતુ સ્ટેટની તમામ યુનિવર્સિટીઓમાં છે તેમ જણાવ્યું હતું, પરંતુ મફતના ભાવે ભણાવતી સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેમ ઘટતી જાય છે? તે સવાલ સાથે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના પર ચિંતન માટેની વાત કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કાયમી કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ આજે ચાર્જ લેતાની સાથે જ રમૂજ કરતા જણાવ્યું હતું કે, અમે Ph.D. વાળા ફેઇક ડોકટર કહેવાય. જોકે, સાચા ડોકટર કમલ ડોડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવી છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકેની 5 વર્ષની ટર્મ સંભાળવા માટે નિમણૂક કરી છે તેનાથી આનંદ અને ગૌરવની લાગણી થાય છે એટલા માટે કે જે યુનિવર્સિટીમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હોય અને ત્યાં જ કામ કરવાની તક મળે તેનો આનંદ શબ્દોમાં ન કહી શકાય. મને હોમ પીચ ઉપર કામ કરવાની તક મળી છે તેનો આભારી છું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીલક્ષી જે કોઈ પણ પ્રોજેક્ટ કરવાના થાય તેમાં અધ્યાપકોની સાથે વહિવટી સ્ટાફના સાથ સહકારથી આગળ વધવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે જ અત્યાર સુધીમાં થેન્કલેસ જોબ સ્વરૂપે કાર્યકારી કુલપતિ તરીકે જેઓએ ફરજ બજાવી તેઓનુ પણ માર્ગદર્શન લેવામાં આવશે