સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે લાઈન તૂટતા અડધી કલાક પાણીનો ધોધ વહ્યો

રાજકોટમાં એક તરફ પાણીની કાયમી સમસ્યા રહેતી હોય છે. બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે વારંવાર પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક પાણીની લાઈન તૂટતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણી એટલું વહી ગયું હતું કે, રસ્તાઓ નદી બની ગયા હતા અને વાહનચાલકો હેરાન-પરેશાન બની ગયા હતા. જોકે, આ અંગેની જાણ થતાં મનપાની ટીમો દોડી ગઈ હતી અને જરૂરી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ પૂર્વે અડધો કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો. આ અંગે મનપાનાં અધિકારીએ જણાવ્યું કે, બેદરકારી બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ અપાશે.

પ્રાપ્ત વિગત અનુસાર આજે 4 મેના રોજ સવારે 10:10 વાગ્યાનાં સમયે શહેરની સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે પાણીની લાઈન તૂટતા લાખો લિટર પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું અને અડધો કલાક સુધીમાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી ગયું હતું. જોકે, બાદમાં મનપાનાં વોટર વર્ક્સ વિભાગની ટીમો દોડી આવી હતી. અને પાણીનો સપ્લાય અટકાવી તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાને પગલે પાણી રસ્તા પર વહી જતા વેડફાટ થવાની સાથે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ મામલે મનપાનાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર કુંતેશ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 10:10 વાગ્યે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની લાઈન તૂટી હતી. જોકે કામ શરૂ કરવા માટે 19 વાલ્વ બંધ કરવા પડે તેમ હોવાથી અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનામાં ઈન્ડુસ ટાવરનાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાથી તેમને નોટિસ આપવામાં આવશે. તેમજ પાણીના વેડફાટ અંગે નિયમ મુજબ પેનલ્ટી વસૂલવા સહિતનાં પગલાં પણ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *