સૌરાષ્ટ્ર યુનિ.સ્પર્ધાત્મક જાગૃતિ પરીક્ષા 20મી સપ્ટેમ્બરે લેવાશે

સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી દર વર્ષે સ્નાતક અને અનુસ્નાતકમાં જોડાતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ આવે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની રોજગારલક્ષી પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન મળી રહે તે માટે દસ વર્ષથી ઓગસ્ટ/સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક જાગૃતિ પરીક્ષા (SUCEAT)નું આયોજન કરે છે. આ વર્ષે આ પરીક્ષા 20 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન લેવાશે. આજ સુધીમાં અંદાજિત દોઢ લાખ વિદ્યાર્થીઓએ SUCEAT પરીક્ષાનો લાભ લીધો છે. રાજ્ય તથા ભારત સરકારની યુપીએસસી, જીપીએસસી, બેંક, રેલવે, એલઆઈસી, આર્મફોર્સ, જીસેટ, નેટ વગેરે નોકરીઓ માટે વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને સીસીડીસીની પ્રવૃત્તિઓ સાથે જોડવા આ સ્પર્ધાત્મક જાગૃતિ પરીક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા કોઈપણ યુનિવર્સિટીના છાત્રો ભાગ લઈ શકે છે.

સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને ગીર સોમનાથમાં કોલેજ કક્ષાએ ઓનલાઈન પરીક્ષા લેવાશે. SUCEAT પરીક્ષાનું પ્રશ્નપત્રક જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી.ના પ્રિલિમ્સ જનરલ પેપર સ્ટાઈલ મુજબ બહુવૈકલ્પિક પ્રકારનું 100 પ્રશ્ન અને 100 ગુણનું રાખવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કે જેઓ 50% ઉપર ગુણ મેળવે તેમને સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઓનલાઈન પ્રમાણપત્ર આપવામાં આવશે તેવું સીસીડીસીના સંયોજક ડો. નિકેશ શાહે જણાવ્યું છે. વિદ્યાર્થીઓ આ વર્ષે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ જ પરીક્ષા આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *