ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં પ્રવેશ માટે GCAS નામનું કોમન એડમિશન પોર્ટલ દાખલ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો આ વર્ષે અલગ અલગ 30 કોર્સમાં 1.18 લાખ સીટ ખાલી હોવાનું જાહેર થયું છે. તેવામાં હકીકત એ છે કે, દર વર્ષે સ્નાતક કક્ષાના અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળી જાય છે અને 50% જેટલી સીટ ખાલી રહે છે. જે પરથી એવું કહી શકાય કે, આ પોર્ટલ આ પ્રકારના કોર્સ માટે કોઈ જ લાભદાઈ નથી. સેન્ટ્રલાઇઝના નામે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે કોલેજો પોતાની રીતે એડમિશન આપી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં અલગ અલગ 30 કોર્ષમાં 1,18,240 સીટ ખાલી હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં બી.એડ. બેઝિકમાં 50, બી.એસસી., એમ.એસસી એપ્લાઇડ ફિઝિક્સમાં 40, બેચલર ઓફ આર્કિટેક્ચરમાં 40, બેચલર ઓફ આર્ટસમાં 25,913, બેચલર ઓફ આર્ટસ એન્ડ બીએડમાં 50, બેચલર ઓફ આર્ટસ ઇન્ટિરિયર ડિઝાઇનમાં 80, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં 7500, બેચલર ઓફ કોમર્સમાં 34,488, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં 10,391 અને બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં 125 સીટ જાહેર કરવામાં આવી છે.