સૌરાષ્ટ્ર યુનિ.માં 13થી 15 ઓક્ટો. સુધી યૂથ ફેસ્ટિવલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 13, 14 અને 15 ઓકટોબર એમ 3 દિવસ 53 મો યુવક મહોત્સવ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન 235 માંથી માત્ર 70 જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ જ ભાગ લેવા માટે ફોર્મ ભર્યું હોવાનું સામે આવ્યું છે. જેની પાછળ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ પણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ વર્ષે પ્રથમ વખત કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાશે જેમાં એક્સપર્ટ દ્વારા કઈ સ્પર્ધામાં ભાગ લેવા માટે કયા પ્રકારની આવડત તેમજ તૈયારીની જરૂર પડે છે તેનું ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવશે. તો સાથે જ આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લાવનાર વિજેતાને અનુક્રમે 2,500, 1,500 અને 1,000 નું ઈનામ એનાયત થશે તો તેઓને ટ્રોફી વિતરણ કરી જાહેર સન્માન કરવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દિગ્વિજય ગ્રામ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની 235 જેટલી કોલેજોમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે દરેક વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે સ્પેશિયલ વર્કશોપ ગોઠવવામાં આવશે. જેમાં એક્સપર્ટ દ્વારા અલગ અલગ સ્પર્ધા અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં લોકસાહિત્યની સ્પર્ધાઓમાં ગુજરાતી ભવનના પૂર્વ અધ્યાપક એવા લોક સાહિત્યકાર રાજુલ દવે, લોકગાયક નિલેશ પંડ્યા તથા મેઘાણી લોક કથાકાર અને આકાશવાણીના પૂર્વ ડાયરેકટર શાંતિલાલ રાણીંગા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના છે આ સિવાયના અન્ય એક્સપર્ટ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી તેઓની કળાને સુદ્રઢ બનાવવાનો પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *