સૌરાષ્ટ્ર યુનિ.માં રણજી, IPLના નેશનલ-ઈન્ટરનેશનલ ખેલાડીઓ રમશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3 નેશનલ ઇવેન્ટની યજમાની પ્રાપ્ત થઈ છે. જેમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી તો ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા 7થી 10 ફેબ્રુઆરીના રમાશે. જ્યારે બહેનોની હેન્ડ બોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનની સ્પર્ધા 22થી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. જેથી કહી શકાય કે, દેશની ઇન્ટર યુનિવર્સિટીની આ સૌથી મોટી ઇવેન્ટમાં રમવા માટે રણજી તેમજ IPLમાં રમી ચૂકેલા નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવશે. જેમની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડશે ત્યારે આ ક્રિકેટ સ્પર્ધાનું સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટરના હસ્તે ઉદ્ઘાટન કરવાનું પણ આયોજન છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે ત્રણ સ્પોર્ટ્સની નેશનલ ઇવેન્ટની યજમાની કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગત વર્ષે હેન્ડબોલ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે આ વખતે હેન્ડ બોલ બહેનોની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાશે. જ્યારે ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા તો યોજાશે જ પરંતુ ગુજરાતમાં સંભવત પ્રથમ વખત ઓલ ઇન્ડિયા ક્રિકેટ ભાઈઓની ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેજા હેઠળ યોજાનારી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ક્રિકેટ ભાઈઓમાં 70 અને હેન્ડબોલ બહેનોની સ્પર્ધામાં ભાગ લેવા માટે સરકારી અને ખાનગી મળી 70 યુનિવર્સિટીની એન્ટ્રી આવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *