સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે આંતર કોલેજ સ્વિમિંગ અને ડાઇવિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં બંને સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો થઈને માત્ર 21 જ સ્પર્ધકોએ ભાગ લેતા નિરસતા જોવા મળી હતી. જેમાં પણ સ્વિમિંગ સ્પર્ધામાં એક જ ગર્લ સ્વિમર ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ હતી, તો ડાઇવિંગ સ્પર્ધામાં 2 જ સ્વિમરે ભાગ લીધો હતો. જે બંને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ માટે ક્વોલિફાય થયા હતા.
આ ઉપરાંત યુનિવર્સિટીનો સ્વિમિંગપુલ કોચના અભાવે લાંબા સમયથી બંધ હતો અને આજે જ્યારે સ્પર્ધા હતી તે અગાઉ જ 7 મીટર ઉંડા પૂલમાં 28 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. કૂવામાંથી લીધેલું પાણી ડહોળું હોવાથી સ્પર્ધકોને મુશ્કેલી પડી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે આંતર કોલેજ સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં સ્વિમિંગ ભાઈઓમાં 12 અને બહેનોમાં 9 સ્વીમરે ભાગ લીધો હતો. કુલ 21 તરવૈયાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી માત્ર એક જ સ્પર્ધક પ્રિશા રીતેશભાઈ ટાંક ઓલ ઇન્ડિયા ગેમ માટે ક્વોલિફાય થઈ હતી. જે 50 મીટર અને 100 મીટર બટર ફ્લાય તેમજ 50 મીટર, 100 મીટર અને 200 મીટર બેક સ્ટ્રોક એમ કુલ 5 ઇવેન્ટમાં ક્વોલિફાય થઈ છે. પ્રિશા જસાણી કોલેજમાં મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ.ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી છે. છેલ્લા 9 વર્ષથી સ્વિમિંગ કરી રહી છે અને સ્કૂલ કક્ષાએ સ્ટેટ લેવલ ચેમ્પિયન થઈ ચૂકી છે.
ડાઇવિંગમાં માત્ર 2 જ ખેલાડીઓએ ભાગ લીધો જ્યારે ભાઈઓમાં ડાઇવિંગમાં માત્ર 2 જ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્મિત જયેશભાઈ ઠાકર 1 મીટર અને 3 મીટર ડાઇવિંગમાં ક્વોલિફાય થયા છે. જે જસાણી કોલેજનો વિદ્યાર્થી છે. જ્યારે જયદીપસિંહ વાળા પણ 1 મીટર અને 3 મીટર ડાઇવિંગમાં ઓલ ઇન્ડિયા ગેમમાં રમવા માટે ક્વોલિફાય થયા હતા. જે ધમસાણિયા કોલેજનો વિદ્યાર્થી છે.