સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી કાર્યકારી કુલપતિથી વહીવટનું ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળી જશે એવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા જૂની સર્ચ કમિટી રદ કરવામાં આવી છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કાયમી કુલપતિની નિમણુક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ માન્ય ગણવામાં આવ્યો છે. પસંદગી પામેલા ઉમેદવાર 5 વર્ષનો સમયગાળો અથવા 65 વર્ષ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી કાયમી કુલપતિ તરીકે ફરજ બજાવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે કાયમી કુલપતિ તરીકે ડો. નીતિન પેથાણીનો 3 વર્ષનો કાર્યકાળ ગત તા. 06/02/2022ના પૂર્ણ થયો હતો. બાદમાં ભાજપનું બેક ગ્રાઉન્ડ ધરાવતા અને આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તેમજ સિનિયર ફેકલ્ટીના ડીન ડો. ગિરીશ ભીમાણીને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ બનાવવામાં આવ્યા હતા. જો કે, અનેક વિવાદોને કારણે ભીમાણીને ગત તા. 20/10/2023ના કાર્યકારી કુલપતિ પદેથી દૂર કરવામાં આવ્યા છે. બાદમાં સંઘના અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. નીલાંબરી દવેને કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો. જેઓ પણ વિવાદથી ઘેરાયેલા રહ્યા.
જેથી રાજ્ય સરકાર દ્વારા 8 માસ બાદ ડો. દવેને હટાવી તા. 4/7/2024થી ફરી કાર્યકારી કુલપતિ તરીકે ડો.કમલ ડોડિયાની નિમણૂક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ કાર્યકારી કુલપતિ તરીકે ડો. કમલ ડોડિયા ફરજ બજાવી રહ્યા છે. જેઓએ 2 દિવસ પહેલા એટલે કે, 05-07-2024ના જ કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. જેઓ સંઘનાં છે અને રાજકોટની PDU મેડિકલ કોલેજમાં આંખ વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓ અગાઉ પણ એટલે કે, વર્ષ 2018માં ફેબ્રુઆરીથી મે એમ કુલ 4 મહિના સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.