સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી 53મા સિંદૂરોત્સવ યુવક મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યું છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજયના કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે થશે. આ ત્રિદિવસીય યુવક મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર એમ કુલ 5 જિલ્લાની 88 કોલેજોના કુલ 1859 સ્પર્ધકો કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય એમ ત્રણ વિભાગોની જુદી-જુદી 33 ઈવેન્ટસમાં પોતાનું કૌવત બતાવશે.
આ યુવક મહોત્સવનું ઉદઘાટન તા.13 ઓક્ટોબરના રોજ બપોરે 11 વાગ્યે કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે રાજયસભાના સાંસદ રામ મોકરીયા તથા લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહેશે. પ્રથમ દિવસે બપોરે 2 વાગ્યાથી અને પછીના બે દિવસ સવારથી સાંજ સુધી અલગ-અલગ સ્પર્ધાઓ ચાલશે. આ યુવક મહોત્સવમાં સ્પર્ધકોને પુરસ્કારમાં પ્રથમ આવનારને રૂ.2500, દ્વિતિયને રૂ.1500 અને તૃતીયને રૂ.1000 રોકડ પુરસ્કાર, શીલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવને સફળ બનાવવા કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી 16 કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને લગતા પ્રશ્નોના નિવારણ માટે એક મહિલા કમિટીની રચના પણ કરવામાં આવી છે.