સૌરાષ્ટ્ર યુનિ.ની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ રોચક બની

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IUAC ન્યૂ દિલ્હી સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ICNIB–2025નાં બીજા દિવસે પણ આયન બીમ સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિક ચર્ચા અને જ્ઞાનવિનિમયનો સક્રિય માહોલ સર્જાયો હતો. તજજ્ઞોનાં વ્યાખ્યાનો, ઓરલ પ્રેઝન્ટેશન તથા પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓ આગળ વધી હતી. આ સેમિનારમાં દેશ વિદેશથી પધારેલા 200થી વધુ વૈજ્ઞાનિકો સાથે રાજકોટ શહેરના મહાનુભાવો સાથે ગોષ્ઠિ યોજાઈ હતી. ઉર્જા ઉત્પાદનમાં ઉપયોગી 2D નેનો ટેકનોલોજી, દરેક મંદિરની રચના માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હોવા અંગે ઉપરાંત મંદિરોમાં વૈજ્ઞાનિક રીતે આયોજન કરાયેલ દિશા, માપદંડો, ધ્વનિ-પ્રતિધ્વનિ તથા પ્રકાશના નિયમોનો ઉપયોગ અંગેની સમજ આપી હતી.

પ્રથમ સત્રમાં પ્રો. ડી. કે. અવસ્થી (UPES દેહરાદૂન)એ એનર્જેટિક આયન્સ દ્વારા મેટ્રિક્સમાં એમ્બેડ થયેલ નેનોસ્ટ્રક્ચર્સનાં આકાર અને કદનું એન્જિનિયરિંગ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતુ. તેમણે સમજાવ્યું કે, આયન બીમની ઊર્જા અને ફ્લ્યુઅન્સને નિયંત્રિત કરીને નેનોસ્ટ્રક્ચર્સને મનગમતા આકાર અને કદમાં વિકસાવી શકાય છે. આ પ્રક્રિયામાં માઇક્રોફ્લાવર્સ જેવા અનોખા માળખા સર્જાઈ શકે છે, જે મટિરિયલ્સના ગુણધર્મોને અસરકારક રીતે બદલવામાં મદદરૂપ થાય છે.

જે બાદ શિન-ઇચિરો સાતો (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્વાન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તાકાસાકી, જાપાન)એ ગેલિયમ નાઇટ્રાઇડ નેનો સ્ટ્રક્ચર્સમાં લાન્થનોઇડ આયન્સ ઇમ્પ્લાન્ટેશનથી પ્રકાશોત્સર્જનની વૃદ્ધિ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતુ. તેમણે સમજાવ્યું કે, આયન ઇમ્પ્લાન્ટેશનની પદ્ધતિથી ગેલિયમ નાઇટ્રાઇડમાં લેન્થેનોઇડ આયન્સનું સ્થાનાંતરણ થતાં પ્રકાશોત્સર્ગની તીવ્રતા ઘણી વધી જાય છે. આ સંશોધન ભવિષ્યના ઓપ્ટોઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે મહત્વપૂર્ણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *