સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર અને હાલમાં છત્તીસગઢ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવતા ડો.આલોક ચક્રવાલે સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જમાં સાડા ત્રણ વર્ષ બજાવેલી ફરજ અંગે યુજીસીએ તપાસ શરૂ કરતાં શિક્ષણવિદોમાં ભારે ચકચાર જાગી છે. આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજુ સુધી પોતાનો અહેવાલ મોકલ્યો નથી, પરંતુ જે તે સમયે થયેલા ઓર્ડરો સહિતના તમામ આધાર સાથે માહિતી હવે યુજીસીને મોકલશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં ફરજ બજાવતા ડો.આલોક ચક્રવાલને 2007થી 2010 દરમિયાન સાડા ત્રણ વર્ષ સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી) તરીકે મુકાયા હતા. જે સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ સહિતના સત્તાધીશોએ તેમને સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જમાં નોકરી કરવા છૂટ આપવામાં આવી હતી.
જે મુદ્દે કોઇ અજાણી વ્યક્તિએ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનમાં ફરિયાદ કરી છે અને આ સમયગાળો ડો.આલોક ચક્રવાલની નોકરીમાં બ્રેક ગણવા ફરિયાદમાં જણાવ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જ ખાનગી સંસ્થા હોય અને પ્રોફેસર ડો.આલોક ચક્રવાલની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિમણૂક શૈક્ષણિક કાર્ય માટે થયેલી હોય તેઓ નોન ટીચિંગ જગ્યા પર ફરજ બજાવી શકે નહીં તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશોએ યુજીસીને જવાબ રજૂ કરવાનો બાકી છે. આ ઘટનાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં શિક્ષણવિદોમાં ભારે ચર્ચા જગાવી છે.