રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં રાજકોટ શહેરનાં પ્રથમ નાગરિક એવાં મેયર નયનાબેન પેઢડિયાને પણ આમંત્રિત કરાયાં હતાં, પરંતુ મેયર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યાં ત્યારે ત્યાં તેમના માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયાં હતાં. મેયરે કહ્યું હતું કે આ ગંભીર ભૂલ હોવાથી યુનિવર્સિટીના સત્તાધીશોએ આવી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. નોંધનીય છે કે કુંભમાં મેયરની કારના વિવાદ બાદ ફરી એકવાર મેયરને રાજકોટમાં જ કાર્યક્રમમાં સ્થાન ન મળતાં વિવાદ છેડાયો છે.
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડિયાએ આ અંગે જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં માટે મને એક સપ્તાહ પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ અંતર્ગત આજે હું સમારોહમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચી હતી, પરંતુ ત્યાં મારા માટેની કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. એ જોઈને હું ત્યાંથી પરત આવી ગઈ હતી. આ દરમિયાન મને ત્યાં રજિસ્ટ્રારની ખાલી સીટ ઉપર બેસવા કહેવામાં આવ્યું હતું, પરંતુ મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી હું ત્યાંથી ચાલી આવી હતી. જોકે આવું ઇરાદાપૂર્વક થયું હોય એવું મને લાગતું નથી, પરંતુ જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઇ હોય એવું લાગી રહ્યું છે. હાલ આ બાબત કોઈને રજૂઆત કરવા જેવું મને લાગતું નથી, પણ આ એક ગંભીર ભૂલ હોવાથી યુનિવર્સિટીના સત્તાધીશોએ આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એવી મારી અપીલ છે.