સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ સ્પોર્ટ્સ વિકાસ ફંડ ફીમાં 400%નો વધારો ઝીંકી દીધો છે. અત્યાર સુધી કોલેજમાં પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી પાસેથી સ્પોર્ટ્સ વિકાસ ફંડ ફી તરીકે રૂ.10 લેવામાં આવતા હતા, પરંતુ તેમાં હવે રૂ.40નો વધારો કરીને કુલ ફી રૂ.50 કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આશરે 2.50 લાખ વિદ્યાર્થી પાસેથી જો રૂ.50-50 ફી વસૂલવામાં આવે તો યુનિવર્સિટી દર વર્ષે 1.25 કરોડની કમાણી કરશે. કારણ કે, આ ફી વસૂલ્યા પછી પણ વિદ્યાર્થીઓને રૂ.50 ચૂકવ્યાનો શું શું ફાયદો થશે તેની પરિપત્રમાં કે મૌખિક કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલે કે છાત્રોને કોઈ લાભ તો ખાસ નહીં મળે, પરંતુ યુનિવર્સિટીની કમાણી માટે આ રૂ.50 સ્પોર્ટ્સ વિકાસ ફંડ ફી ભરવી ફરજિયાત કરવામાં આવી છે.
અગાઉ એવું કહેવામાં આવતું હતું કે, યુનિવર્સિટીના મેદાન વિદ્યાર્થીઓને ઉપયોગ કરવા દેવા આપશે, પરંતુ કોઈ કોલેજમાં ધારો કે 2 હજાર વિદ્યાર્થી ભણતા હોય તો તેમાંથી સ્પોર્ટ્સમાં રસ ધરાવતા માંડ 40-50 નીકળે છે. જ્યારે સ્પોર્ટ્સ ફી તમામ 2000 વિદ્યાર્થીએ ભરવાની છે જેનો તેઓ લાભ લેવાના નથી. બીજું કે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અમરેલી, જામનગર કે સુરેન્દ્રનગરમાં હોય તો ત્યાંના વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનનો લાભ લેવા ત્યાંથી ધક્કો નથી ખાવાના પરંતુ તેમણે પણ રૂ.50 સ્પોર્ટ્સ વિકાસ ફંડ ફી ફરજિયાત ભરવાની છે. અત્યાર સુધી આ ફી માત્ર રૂ.10 વસૂલવામાં આવતી હતી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ખર્ચે સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન આપવાને બદલે જાણે કમાણીની વૃત્તિ શરૂ કરી હોય એમ રૂ.50 ફી વસૂલવાનું શરૂ કર્યું છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં પણ રોષ ફેલાયો છે.