સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધિકારીની બદલીથી વિવાદ!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટીના જોડાણ વિભાગના સેક્શન ઓફિસર પ્રકાશ દુધરેજીયાની પરીક્ષા વિભાગમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. કુલપતિ દ્વારા આંતરિક સમસ્યાને કારણભૂત ગણાવાઈ રહી છે, પરંતુ શિક્ષણ જગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, રાજકીય આગેવાનની એક કોલેજને ઓનલાઈન મંજૂરી ન ચડાવવા મામલે એકેડેમિક ઓફિસર અને કુલસચિવ વચ્ચે થયેલી રકઝક બાદ આ બદલી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા આજે જારી કરાયેલા પરિપત્ર મુજબ, જોડાણ વિભાગના વિભાગીય અધિકારી પ્રકાશ દુધરેજીયાની પરીક્ષા વિભાગમાં તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જ્યારે પરીક્ષા વિભાગના વિભાગીય અધિકારી જય ટેવાણીની જોડાણ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીને જ્યારે પૂછવામાં આવ્યું કે, જોડાણ વિભાગના સેક્શન ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી કયા કારણોસર કરવામાં આવી, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાને બદલે માત્ર એટલું જ કહ્યું કે, “આ ઇન્ટર્નલ બાબત છે.”

સૂત્રોનું માનીએ તો, આ બદલી પાછળ એકેડેમિક ઓફિસર ડો. ચંદ્રેશ કાનાબાર અને સેક્શન ઓફિસર દુધરેજીયા વચ્ચે માથાકૂટ થઈ હોવાનું મુખ્ય કારણ છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હકીકત એ છે કે સેક્શન ઓફિસર દુધરેજીયા દ્વારા એક રાજકીય આગેવાનની વિંછીયા સ્થિત કોલેજમાં નવા BA કોર્સને મંજૂરી આપવા માટે કુલપતિના આદેશ બાદ પ્રક્રિયા કરાઈ હતી. આ કોલેજની માહિતી ઓનલાઈન કોજન્ટ સોફ્ટવેર પર કુલપતિના આદેશથી ચડાવવામાં આવી હતી. જોકે, આ મુદ્દે કુલસચિવ અને એકેડેમિક ઓફિસર વચ્ચે રકઝક થઈ હોવાનું મનાય છે, જેના પરિણામે આ અધિકારીની બદલી કરી નાખવામાં આવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *