સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ માટે કેટલા ગંભીર છે તે વાતથી તો સૌ કોઇ વાકેફ છે જ પરંતુ યુનિવર્સિટીની મિલકતની જાળવણીમાં પણ ઠાગાઠૈયા કરે છે. યુનિવર્સિટીના અનેક બિલ્ડિંગમાં ચોરી થયાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ અંતે તંત્ર જાગ્યું હતું અને ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં જમનાદાસ ગોવિંદભાઇ કડીવારે (ઉ.વ.67) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કડીવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6 જુલાઇના શારીરિક શિક્ષણ વિભાગના હેડ હરિશભાઇ રાબાએ જાણ કરી હતી કે, યુનિવર્સિટી કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા શૂટિંગ રેન્જ જે છેલ્લા છ મહિનાથી બંધ છે ત્યાં કોઇની અવરજવર નથી, ત્યાં ગત તા.3 જુલાઇના સેન્ટ્રલ એસીના બહારની બાજુ નીકળતા કોપરના પાઇપને કટ કરી કોઇ લઇ ગયું છે તેમજ ત્યાંથી સ્ટીલના 10 નંગ નળ જે પ્લાસ્ટિકના પાઇપમાં ફિટ કર્યા હતા તે પાઇપ તોડીને કોઇ લઇ ગયું છે, કોપર વાયર અને નળ સહિત કુલ રૂ.91,484ના મુદ્દામાલની ચોરી થયાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ બિલ્ડિંગમાં છેલ્લા એકાદ મહિનામાં અંદાજે રૂ.15 લાખની મતાના મુદ્દામાલની ચોરી થઇ છે. આ વાત યુનિવર્સિટીના સત્તાધીશો સુધી પહોંચી હતી અને જવાબદાર સિક્યુરિટી એજન્સી સામે કાર્યવાહી કરવાની સ્થિતિ પણ સર્જાઇ હતી, પરંતુ સિક્યુરિટી એજન્સી જવાબદાર ઠરે નહીં તે માટે ચોરીની ઘટના દબાવી દેવામાં આવી હતી. જોકે આ મામલે દિવ્ય ભાસ્કરે વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરતાં અંતે યુનિવર્સિટી તંત્રએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.