સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. તત્કાલીન કુલપતિ કમલેશ જોષીપુરાના સમયગાળામાં થયેલા રૂ. 10 કરોડનો ખર્ચ ગેરકાયદેસર હોવાનું ઓડિટ પેરામાં ખૂલ્યું હોવાનો સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી આ ખર્ચ જોષીપુરા પાસેથી વસૂલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સાથે જ આ મામલે રાજ્ય સરકારને આગામી સમયમાં વિધાનસભામાં પણ સવાલ પૂછવામાં આવશે, તેમ જણાવ્યું હતું. જ્યારે આ આક્ષેપોને જોશિપુરાએ નકાર્યા હતા. તો કુલસચિવે કહ્યું કે, ઓડિટ પેરા એ ભ્રષ્ટાચાર નથી હોતો, ખર્ચની અનિયમિતતા હોય છે. આ ઉપરાંત આ ખર્ચનું ચુકવણું પણ કરી દેવાયુ છે.
આ મામલે સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઓડિટ વિભાગે કાઢેલા વાંધા મૂજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિનશૈક્ષણિક કર્મચારીઓની ઇન્ટરવ્યૂ વગર થયેલ ભરતીથી યુનિવર્સિટીને 4.21 કરોડનો ખર્ચ થયો, જે ગેરકાયદેસર છે. 4.46 કરોડનો બાંધકામનો ખોટો ખર્ચ કરાયો છે. જોષીપુરા દ્વારા બાંધકામના સંદર્ભે થયેલ નિર્ણયો વિવાદાસ્પદ રહ્યાં હતાં અને તે વખતે પણ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓના ફીના પૈસે નિર્મિત કોન્વોકેશનના બિલ્ડિંગનો માંચડો આજે પણ એમ જ પડ્યો છે. જેની પાછળ રૂ. 1.61 કરોડનો ખર્ચ થયો હતો. આ બાંધકામ ખંઢેર પરિસ્થિતિમાં યુનિવર્સિટીના કાયદા ભવનની સામે વણવપરાયેલ પરિસ્થિતિમાં ઉભું છે. શિક્ષણશાસ્ત્ર ભવન પાસે આવુ જ વણવપરાયેલ ખંઢેર ઉભું છે. તેમાં પણ રૂ. 25 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો હતો. આ કામો ટેન્ડર વગર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા હતા. ડ્રગ સેન્ટરમાં 67.29 લાખનું ઇન્ટેરિયર ગેરકાયદેસર કરાયું. આ ઇન્ટેરિયર માટે કોઈ ગ્રાન્ટ ઉપલબ્ધ ન હતી, છતાં મળતિયા કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવ્યું હતું.