સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપો મામલે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા ગિરીશ ભીમાણીના પૂતળા દહન અને સૂત્રોચ્ચાર સાથે આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ગિરીશ ભીમાણીને આંતરીને શાહી લગાવી મોં કાળુ કરવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા વિધાસભાના નિયામક તરીકે ફરજ બજાવનારા ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ થયા હતા. વિદ્યાર્થીઓ આબુ પ્રવાસ ગયા હતા જ્યાં પાછળથી ગિરીશ ભીમાણી પહોંચ્યા હતા અને નશાની હાલતમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના આક્ષેપો થયા છે. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન બનેલી આ ઘટના બાદ ગજેરા સંકુલ દ્વારા ભીમાણીને તાત્કાલિક દૂર કરી દેવામાં આવ્યા હતા. જોકે, આ અંગે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
અમારી માંગણી છે કે, પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે અને આબુ ટૂર દરમિયાન હોટલના CCTV કેમેરા તપાસવામાં આવે. જે બાદ ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.