સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ભાંગરો વાટ્યો

રાજકોટમાં ભારતીય સંસ્કૃતિ અને યુવાનોને પ્રેરણા આપવાની વાત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ એક કાર્યક્રમમાં અચાનક એવી ગંભીર ભૂલ કરી કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આગામી વર્ષ દરમિયાન થનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કુલપતિએ ભાષણ આપતા આજના દિવસને સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ અને યુવાદિન ગણાવી દીધો. તેમની આ ભૂલથી સ્ટેજ ઉપર હાજર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના તમામ નેતાઓ અને અધિકારીઓ એકબીજા સામે જોતા રહી ગયા, જેના કારણે સમગ્ર વાતાવરણ અચાનક ગંભીર બની ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે અને તે દિવસને રાષ્ટ્રીય યુવાદિન તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજકોટના રૈયારોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 31મી ઓક્ટોબર, 2025થી લઈને 31મી ઓક્ટોબર, 2026 સુધી સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે થનારા અલગ અલગ કાર્યક્રમોના આયોજન માટે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યુવાનોને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના રાષ્ટ્રનિર્માણના કાર્યોથી માહિતગાર કરાયા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને શહેરના મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *