રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. રાજકોટ શહેરની શાળાઓમાં તો ગુરુવારે રજા જાહેર કરવામાં આવેલી છે પરંતુ, હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ વરસાદને ધ્યાનમાં રાખી કોલેજીયનો માટે રજા જાહેર કરાયેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનમાં અભ્યાસ કરતા 3000 જેટલા વિદ્યાર્થીઓ માટે ગુરુવારે રજા જાહેર કરવામાં આવેલી છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોની જો વાત કરવામાં આવે તો ત્યાં હાલ જન્માષ્ટમીનું વેકેશન જ ચાલી રહ્યું છે. મોટાભાગની કોલેજો શુક્રવાર સુધી રજા રાખવાની છે, જ્યારે શનિવારથી તબક્કાવાર ખાનગી કોલેજો બધી શરૂ થઈ જશે. હાલ વરસાદને કારણે છેલ્લા બે દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ જતા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે.