રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજના દિવસની આગાહી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મોરબી અને જામનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તો બીજી તરફ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને કચ્છ જિલ્લામાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની અથવા વરસાદની ખૂબ જ ઓછી શક્યતા દર્શાવવામાં આવી છે.
રાજ્યના વાતાવરણમાં આવેલા આ અચાનક પલટા પાછળ એક ટ્રફ સિસ્ટમ અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હોવાનું જણાવાયું છે. એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર ગુજરાત સુધી સક્રિય છે. જ્યારે બીજી સિસ્ટમ સાઉથ ઇન્ટિરિયર કર્ણાટકથી મરાઠાવાડા સુધી ફેલાયેલી છે. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં અંદાજે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થઈ શકે છે. આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી શુષ્ક હવામાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.