ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવતા કુદરતી આફતોનું જોખમ વધી રહ્યું છે. એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે, તો બીજી તરફ મે મહિનાના મધ્યમાં ભયાનક વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકોટ સહિત રાજ્યમાં 8 એપ્રિલ સુધી માવઠાંની આગાહી કરવામાં આવી છે.
આગાહી પ્રમાણે સામાન્ય ઝાપટાં પડી શકે છે. મંગળવારથી માવઠાંની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે, કારણ કે ગુજરાત પરથી એક ‘ટ્રફ’ પસાર થઈ રહ્યો છે. વધુ અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં માવઠાંની તીવ્રતા વધુ રહેશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે. રાજકોટમાં મંગળવારે લઘુતમ તાપમાન 22.7 ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ 36.5 ડિગ્રી રહ્યું હતું.
15 મેથી 15 જૂન બંગાળની ખાડી કરતા અરબ સાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા વધુ છે ગુજરાત માટે આગામી દિવસોમાં મોટા વાવાઝોડાની સંભાવના છે. 15 મેથી 15 જૂન દરમિયાન દરિયામાં મોટી હલચલ જોવા મળશે. આ સમયગાળામાં અરબ સાગરમાં વાવાઝોડું બને તેવી પ્રબળ શક્યતાઓ છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પહેલા આ પ્રકારની સિસ્ટમ સક્રિય થતી હોય છે, જે આ વર્ષે વધુ તીવ્ર બની શકે છે. પહેલાના સમયમાં 5થી 10 વર્ષે માંડ એકાદ-બે વાવાઝોડા આવતા હતા, પરંતુ હવે દર વર્ષે 2થી 3 વાવાઝોડા બની રહ્યા છે. સિસ્ટમ અરબ સાગરમાં સક્રિય થાય ત્યારે ગુજરાતને સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર હોય છે. 2026નું આ સંભવિત વાવાઝોડું અરબ સાગરમાં જ બને તેવી શક્યતા વધુ હોવાથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર સીધો ખતરો મંડાશે. એવું પણ બની શકે કે દરિયામાં જ આ સિસ્ટમ નિષ્ક્રિય થઈ જાય અથવા ઓમાન તરફ ફંટાઈ જાય. – પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત, એક્સપર્ટ